(૧)
શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યાં
સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને
સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું
ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું
પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો
વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
(૨)
મા સૂર્યમંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યાં
ત્યાં કાલિન્દીના શિખર ઉપર શોભા અતિ સુંદર દીસે
તે વેગમાં પથ્થર ઘણા હરખાઈને ઊછળી રહ્યાં
ને આપ પણ ઉલ્લાસપૂર્વક ઊછળતાં શોભી રહ્યાં
હરિ હેતના ઝૂલા ઉપર જાણે બિરાજ્યા આપ હો
વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
(૩)
શુક મોર સારસ હંસ આદિ પક્ષીથી સેવાયેલાં
ગોપીજનોએ સેવ્યાં ભુવન સ્વજન પાવન રાખતાં
તરંગ રૂપ શ્રી હસ્તમાં રેતી રૂપી મોતી તણાં
કંકણ સરસ શોભી રહ્યાં શ્રી કૃષ્ણને બહુ પ્રિય છે
નિતમ્બ રૂપ શ્રી તટ તણું અદ્ભુત દર્શન થાય જો
વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
(૪)
અનન્ત ગુણથી શોભતાં સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે
ઘનશ્યામ જેવું મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું
વિશુદ્ધ મથુરા આપના સાન્નિધ્યમાં શોભી રહ્યું
સહુ ગોપ ગોપી વૃન્દને ઇચ્છિત ફળ આપી રહ્યું
મમ કોડ સૌ પુરા કરો જ્યમ ધ્રુવ પરાશરના કર્યાં
વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
(૫)
શ્રી કૃષ્ણના ચરણો થકી શ્રી જાન્હવી ઉત્પન્ન થયાં
સત્સંગ પામ્યાં આપનો ને સિદ્ધિદાયક થઈ ગયા
એવું મહાત્મ્ય છે આપનું સરખામણી કોઈ શું કરે
સમકક્ષમાં આવી શકે સાગર સુતા એક જ ખરે
એવાં પ્રભુને પ્રિય મારા હૃદયમાં આવી વસો
વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
(૬)
અદ્ભુત ચરિત્ર છે આપનું વંદન કરું હું પ્રેમથી
યમ યાતના આવે નહિ મા આપના પયપાનથી
કદી દુષ્ટ હોઇએ તોય પણ સંતાન છીયે અમે આપનાં
સ્પર્શે ન અમને કોઈ ભય છાયા સદા છે આપની
ગોપીજનોને પ્રિય બન્યાં એવી કૃપા બસ રાખજો
વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
(૭)
શ્રી કૃષ્ણને પ્રિય આપ છો મમ દેહ સુંદર રાખજો
ભગવદ લીલામાં થાય પ્રીતિ સ્નેહ એવો આપજો
જ્યમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યાં
મમ દેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવાં રાખજો
વિરહાર્તિમા હે માત મારા હૃદયમાં બિરાજજો
વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
(૮)
હું આપની સ્તુતિ શું કરું માહાત્મ્ય અપરંપાર છે
શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે
પણ આપની સેવા થકી અદ્ભુત જલક્રિડા તણાં
જલના અણુની પ્રાપ્તિ થાય ગોપીજનોના સ્નેહથી
એ સ્નેહનું સુખ દિવ્ય છે મન મારું એમાં સ્થાપજો
વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
* * *
કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટક તણો
નિશ્ચય પ્રભુને પ્રિય થશે ને નાશ થાશે પાપનો
સિદ્ધિ સકલ મળશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતિ
આનંદ સાગર ઊમટશે ને સ્વભાવ પણ જાશે જીતી
જગદીશને વહાલા અમારા શ્રી વલ્લભાધીશ ઉચ્ચરે
વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો
યમુનાષ્ટક ગુજરાતી પાઠ
યમુનાષ્ટક ગુજરાતી પાઠ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment